દાદાજી નો પરિચય

દેશવિદેશમાં અનેક સ્થળે કથા નિમિત્તે પોતે પ્રવાસ દરમ્યાન સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓને મળતા, જેલમાં કેદીઓ પાસે જતા,દવાખાનામાં દર્દીઓ પાસે જતા અને તેમની આગળ સંસ્કાર, સદાચાર અને ભગવાનની વાતો કરતા, તેમને જીવનના સાચા અભિગમ વિષે માર્ગદર્શન આપતા, તેમની આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી જ એક એવી સમૃદ્ધ સંસ્થાની સંકલ્પના તેમના મનમાં ઉદભવી જેના માધ્યમ દ્વારા જગતભરના લોકોની સંસ્કારક્ષુધા પીપસને તૃપ્ત કરી શકાય. આવા વિચારોના મનોમન્થનની ફલશ્રુતિ રૂપે વિશ્વભરમાં અદ્વિતીય એવી ‘શ્રી ભાગવત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનો જન્મ થયો..

‘શ્રી ભાગવત વિદ્યાપીઠ’ માનવજાતની સર્વોત્કૃષ્ટ સેવા અને સાક્ષાત્પૂર્ણપુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ હેતુ પોતાની સમક્ષ શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય અને સંશોધન એવા ચાર લક્ષ્યને કેન્દ્રબિંદુ બનાવી પોતાનું કાર્ય આરંભ્યું. પૂ. શાસ્ત્રીજીએ એક એવા વાતાવરણની સંકલ્પના કરી કે આ વિદ્યાપીઠના ક્ષેત્રમાં એવું વિદ્યા વાતાવરણ ઉભું કરી સંસ્કાર આપવા કે આ સ્થાને આવનાર માનવમાત્ર પોતપોતાના ઇષ્ટનો અનુરાગી બની ભગવાનને પ્રાપ્ત કરી શકે. આવા સ્વપ્નને સાકાર કરવા પોતે પોતાનું સમગ્રજીવન ભગવાનને ચરણે ધરી દીધું અને બ્રહ્મસંબંધની પ્રક્રિયાથી સાચા અર્થમાં આત્મનિવેદન કરી પોતાના સર્વસ્વ સમર્પણની જગતની પ્રતીતિ કરાવી છે.

અમદાવાદ પાસેના સોલા ગામને પોતાની કર્મભૂમિ બનાવી તેને યથાર્થ ‘કૃષ્ણધામ’નું નામ સંસ્કરણ કરી શ્રી ભાગવત વિધ્યાપીઠને સમસ્ત આધ્યાત્મિક જગતમાં એક વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. એકસો દશ એકર જમીનમાં વ્યાપ્ત આ સંસ્થાના કેન્દ્રબિંદુ તરીકે રસરાજપ્રભુ શ્રીનાથજીબાવા આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરુપે તેમના દર્શને આવનાર અસંખ્ય ભક્તજનો પર કૃપાવૃષ્ટિ કરી રહ્યા છે.

સંસ્કૃતમાં ઉચ્ચતમ પદવી સુધીનો અભ્યાસક્રમ, સંસ્કારયુક્ત સામાન્ય તેમજ વ્યવસાયલક્ષી શિક્ષણ વ્યવસ્થા, સંત-મહાત્મા માટેનું તીર્થસ્થાન, વૃદ્ધો માટેનું વિશ્રામ સ્થળ, વિધ્વાનો માટેનું સંશોધન સ્થળ, વ્યાધિયુક્ત માનવો માટે સારવાર પ્રાપ્ત કરવાનો વિસામો, ઈત્યાદી અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમી રહેલી આ સંસ્થા વિશ્વભરમાં અજોડ છે. આ પ્રત્યેક પ્રવૃતિઓ વિશે ચીવટપૂર્વકનું આયોજન, માર્ગદર્શન અને વ્યવસ્થામાં પૂજ્ય શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીની સંપૂર્ણપણે ઓતપ્રોતતા હોઈ તે સર્વેનું ધોરણ ખુબ જ ઉચ્ચસ્તરનું રહેલું છે.

પોતાની પ્રવૃત્તિઓને અમદાવાદ પુરતી સીમિત ન રાખતા બહુજન હિતાય પોતે અનેક પ્રકારની સંલગ્ન સંસ્થાઓ દ્વારા મુંબઈ, ચંપારણ્ય, રામેશ્વર તેમજ વિદેશની ભૂમિ પર પણ સેવાઓનો વ્યાપ વિસ્તાર્યો છે જેના દ્વારા આપની સુમન સુવાસ વિશ્વભરમાં વ્યાપી ગઈ છે.

આપની બહુમુખી પ્રતિભા અને સંતકોટીના વ્યક્તિત્વને કારણે દેશવિદેશ સર્વત્ર અનેક ભક્તજનોના હૃદયમાં પોતે એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓની ક્ષુન્ણભક્તિને કારણે આ સંસ્થાના સંચાલન માટે અપૂર્વ આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે.